મધુર ગીત ગાવાની ઝંખના ઊઠે,
ટહુકો રણકારતો સ્વર જો ભળે –
એવું ના બને? એવુંયે બને.
નર્તનમાં ઝૂમવાના કોડ હો દિલે,
તાલ આપનારો ઢોલી જો મળે. – એવું ના બને? એવુંયે બને.
બળબળતી હોય આગ દુખતા દિલે,
શિતળ સંવેદનાનો વાયરો મળે.- એવું ના બને? એવુંયે બને.
મૂંઝવતી હોય લાખ વિપદા મને
કોયડો ઊક્લતો જાય, ગેબી પળે .- એવું ના બને? એવુંયે બને.
કાળઝાળ જંગલમાં ભટકો તમે,
હૂંફવાળી વાત કરતું જણ જો મળે. – એવું ના બને? એવુંયે બને.
વાદ ને વિવાદોના તણખા ઝરે,
દિશા એક કરનારો ધોરી જો મળે. – એવું ના બને? એવુંયે બને.
ભૂત અને ભાવિનાં વમળો ગ્રસે,
હાલમાં મહેંકવાની પળ જો મળે. – એવું ના બને? એવુંયે બને.
– સુરેશ જાની
Comments
Post a Comment